હળવદ તાલુકાના કડીયાણા જંગલ વિસ્તારમાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર સામે વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે વન વિભાગે દરોડો પાડી કડીયાણા ગામના વાલાભાઈ મોહનભાઈ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી જીવિત ત્રણ શેરા અને એક ઘો કબ્જે કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વન વિભાગની પ્રાથમિક તપાસમાં આરોપી જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરતો હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરથી કબ્જે કરાયેલા વન્યજીવોને સુરક્ષિત રીતે પોતાના કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગે આરોપી વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ ગુનો નોંધી તેને હળવદ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે વધુ તપાસ માટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક પૂછપરછ દરમિયાન વન્યજીવોના શિકાર અંગે કેટલીક મહત્વની માહિતી મળી છે. રિમાન્ડ દરમિયાન શિકારના નેટવર્ક, અન્ય સંડોવાયેલા શખ્સો અને વન્યજીવોની હેરફેર અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વન વિભાગે સમગ્ર પ્રકરણની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને ગેરકાયદેસર શિકારના રેકેટ સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ બનાવ્યો છે. સમગ્ર કામગીરીમાં મોરબી આરએફઓ બી.આર. મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.







