હળવદ શહેરમાં હાલ સર્જાયેલી ટ્રાફિક સમસ્યાએ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. શહેરના મુખ્ય માર્ગો પર ચાલી રહેલા બિનઆયોજિત ખોદકામ, કોન્ટ્રાક્ટરની અણઆવડત અને તંત્રની બેદરકારીના કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
બસ સ્ટેશન રોડ, નગરપાલિકા કચેરી નજીક, એચડીએફસી બેન્ક રોડ, સરા નાકા, ગંગા તલાવડી સહિતના વિસ્તારોમાં રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હોવા છતાં યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં ન આવતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહ્યા છે.
એક તરફ ખોદાયેલા રસ્તાઓ અને બીજી તરફ આડેધડ પાર્કિંગના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે, જ્યારે વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને રોજિંદા મુસાફરો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
શહેરમાં વધી રહેલી સમસ્યાઓ સામે કહેવાતા કેટલાક નેતાઓ માત્ર સોશિયલ મીડિયામાં રીલ બનાવી સસ્તી વાહવાહી લૂંટવામાં વ્યસ્ત હોવાનું કહી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોનો આક્ષેપ છે કે પ્રજાની વાસ્તવિક સમસ્યાઓ પ્રત્યે તંત્ર અને નેતાઓ બંને આંખ આડા કાન કરી રહ્યા છે.
જાગૃત નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ હળવદ શહેરમાં “રસ્તા ઓછા અને મુશ્કેલીઓ વધારે” જેવી સ્થિતિ સર્જાઈ છે.
રિપોર્ટર અમિતજી ઠાકોર હળવદ







